English
ફોનેટિક કીબોર્ડ  ગુજરાતી કીબોર્ડ
ગાયત્રી  
   

ક્રમાંક વ્યુત્પત્તિ વ્યાકરણ અર્થ
૧. [ સં. ગયાત્રિન્ ] पुं. ઉદ્ગાતા.
૨. पुं. ( પિંગળ ) એ નામનો એક વર્ણમેળ છંદ. આ જાતના છંદના દરેક ચરણમાં ૬ અક્ષર આવે છે. તેવી જાતના તનુમધ્યા, વિદ્યુલ્લેખા, વાણી, શશિવદના કે ચતુરંસ્ત્ર, સોમરાજી, શેષા, વિમોહા, તિલકા, માલતી, કામલતા, મંથાન, વસુમતી અને સોમકુલ પ્રસિદ્ધ છંદ છે.
૩. पुं. ( પિંગળ ) વૈદિક એકવીશ માંહેનો એક અક્ષરમેળ છંદ. આ છંદ ત્રણ ચરણનો હોય છે અને દરેક ચરણમાં આઠ આઠ અક્ષર હોય છે. તેના આર્ષી, દૈવી, આસુરી, પ્રાજાપત્યા, યાજુષી, સામ્ની, આર્ચી અને બ્રાહ્મી એવા આઠ ભેદ છે અને તેમાં અનુક્રમે ૨૪, ૧, ૧૫, ૮, ૬, ૧૨, ૧૮ અને ૩૬ વર્ણ હોય છે.
૪. स्त्री. ઈશ્વરરૂપ બ્રહ્મની પ્રાર્થનાનો એક વૈદિક મંત્ર:

ૐ સચ્ચિદાનંદ, બ્રહ્મ સવિતૃ દેવનું વરેણ્ય ભર્ગ સ્મરીએ; બુદ્ધિ જે અમારી પ્રેરે ! આ ગાયત્રી મંત્ર ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ અને અથર્વવેદ એમ ચારેય વેદમાં છે. આ મંત્ર સિવાય બીજો એકે ય મંત્ર એવો નથી કે જે ચારેય વેદમાં આવતો હોય. મૂળ આ મંત્ર ઋગ્વેદના ૩ જા મંડલના ૧૨મા સુક્તનો ૧૦મો મંત્ર છે. સમાવેદમાં ૧૪૬૨મો મંત્ર છે યજુર્વેદમાં તો તે મંત્ર ચાર વાર આવે છે અને અથર્વવેદમાં ગાયત્રીનો મહાન મહિમા ૧૬મા સૂક્તના ૭૧માં મંત્રમાં ગાયો છે. આ ઉપરાંત અન્ય ધર્મગ્રંથોમાં પણ ઘણી યે વાર આ મંત્ર આપવામાં આવ્યો છે. જેમકે, તૈત્તિરીય આરણ્યકમાં બે વાર, આંધ્ર આરણ્યકમાં એક વાર, મૈત્રેય બ્રાહ્મણમાં ચાર વાર, કૌશીતકી બ્રાહ્મણમાં બે વાર, ગોપથ બ્રાહ્મણમાં એક વાર, દૈવત બાહ્મણમાં એક વાર, શતપથ બ્રાહ્મણમાં ત્રણ વાર, બૃહદારણ્યક ઉપનિષદમાં એક વાર, નારાયણી ઉપનિષદમાં એક વાર, વારાહી ઉપનિષદમાં એક વાર, જૈમિનીય ઉપનિષદમાં એક વાર, શ્વેતાશ્વતર ઉપનિષદમાં એક વાર, આશ્વલાયન શ્રૌતસૂત્રમાં બે વાર, શાંખાયન શ્રૌતસૂત્રમાં પાંચ વાર, આપસ્તંબ સૂત્રમાં બે વાર, શાખાયન ગૃહ્યસૂત્રમાં ત્રણ વરા, કૌશીતકી સૂત્રમાં એક વાર, સામમંત્ર બ્રાહ્મણમાં એક વાર, ખાદિર ગૃહ્યસૂત્રમાં એક વાર, બોધાયન ધર્મશાસ્ત્રમાં એક વાર, માનવ ગૃહ્યસૂત્રમાં ત્રણ વાર, માનવ શ્રૌતસૂત્રમાં એક વાર, માનવ ધર્મશાસ્ત્રમાં એક વાર અને મૈત્રેય ઉપનિષદમાં એક વાર. આથી સિદ્ધ થાય છે કે આ મંત્રનું હિંદુધર્મશાસ્ત્રમાં સર્વોપરી સ્થાન છે. ગાયત્રી વાસ્તવિક રીતે વેદની માતા કહેવાય છે. તત્ત્વદર્શી મહાત્માઓ કહે છે કે ગાયત્રી મંત્રના આધાર ઉપર વેદોનું નિર્માણ થયું છે. વેદોના મંત્રદ્રષ્ટા ઋષિઓએ જે બ્રહ્મતેજ પ્રાપ્ત કર્યું છે તે આ ગાયત્રી મંત્રથી પ્રાપ્ત થયેલ છે. આ મંત્ર દ્વારા જેટલી સાધના અને ઉપાસના આજ સુધી થઈ છે તેટલી બીજા કોઇ મંત્ર દ્વારા થયેલ નથી. આ મંત્રનો ઋષિ ગાધિનો વિશ્વામિત્ર છે, દેવતા ગાયત્રી છે અને છંદ ગાયત્રી છે. તે મંત્ર બ્રહ્મ અને જીવાત્માની એક્તાનો બોધ કરનાર છે. આ મંત્ર સાક્ષાત્ બ્રહ્મની ઉપાસના હોવાને કારણે સર્વ જપોમાં શ્રેષ્ઠ છે, કેમકે સર્વ યજ્ઞોમાં જપયજ્ઞ શ્રેષ્ઠ છે અને સર્વ જપોમાં ગાયત્રીના મંત્રોનો જપ શ્રેષ્ઠ મનાય છે. નિરંતર આ મંત્રનો જપ કરવાથી સાધકનું બ્રહ્મતેજ ક્રમશ; વધતું જાય છે. કૂર્મપુરાણમાં એટલે સુધી કહ્યું છે કે, જે બ્રહ્મચારી પ્રતિદિન વેદમાતરમ્ અર્થાત્ વેદના કારણભૂત આ ગાયત્રીનો અર્થ સમજીને જપ કરે છે તે પરગતિને પામે છે. વિવિધ ધર્મશાસ્ત્રોમાં તેનું માહાત્મ્ય એમ છે કે, (૧) ગાયત્રી બ્રહ્મ છે. (૨) બ્રહ્મ એ જ ગાયત્રી છે. (૩) ગાયત્રી પરમાત્મા છે. (૪) ગાયત્રી વા આ સર્વ. (૫) ગાયત્રી વા આ સર્વ પ્રાણીમાત્ર જડ અને ચૈતન્ય. ૐ એ પ્રણવ મંત્ર કહેવાય છે. તે અવ્ ધાતુ ઉપરથી થયેલ છે અને તે રક્ષા, પ્રકાશ, પાલન, હિંસા, વૃદ્ધિ આદિના અર્થમાં વપરાય છે. ચતુર્દશ ભુવનની રક્ષા કરવાને કારણે ૐકાર નામ પડ્યું છે. ચારે વેદોમાં ઋગ્વેદ મૂળ છે, ઋગ્વેદમાં ગાયત્રી પ્રધાનપદે છે, ગાયત્રીમાં વ્યાહૃતિ મુખ્ય છે અને વ્યાહૃતિમાં પ્રણવ મંત્ર શ્રેષ્ઠતમ છે. ભારતવર્ષનો જે આ ઉદ્બોધનમંત્ર છે તે અત્યંત સરલ છે, તેનો એકશ્વાસે જ ઉચ્ચાર થાય છે. ૐ ભૂર્ભુવ: સ્વ: વ્યાહૃતિ કહેવાય છે. વ્યાહૃતિ શબ્દનો અર્થ ચોતરફથી આહરણ કરી લાવવું તે છે. પ્રથમ ભૂરલોક. ભુવરલોક અને સ્વર્લોક અર્થાત્ સમસ્ત વિશ્વ-ચરાચરને મનમાં આહરણ કરીને લાવવાનું હોય છે. ગાયત્રી મંત્ર બહારની સાથે અંતરનો અને અંતરની સાથે અંતરતમનો અર્થાત્ પરબ્રહ્મ પરમાત્માનો સંબંધ સાધી આપે છે. તાત્પર્ય કે જગતની સાથે ચિત્તનો અને ચિત્તની સાથે પેલા સચ્ચિદાનંદનો સંબંધ સાધી આપે છે. બ્રહ્મની ધ્યાન ધરવાની આ જે પ્રાચીન વૈદિક પદ્ધતિ છે તે જેવી ઉદાર તેવી સરલ પણ છે. આ પદ્ધતિ સર્વ પ્રકારની કૃત્રિમતાથી શૂન્ય છે. આ ગાયત્રી ગાન કરનાર કે જપ કરનારની રક્ષા કરે છે. પ્રાણ કે વાક્ ઇન્દ્રિયો ગાન કરનારી છે તેથી તે પ્રાણ કે વાક, આદિની રક્ષા કરે છે.. જે કારણથી જપ કરનારની તે રક્ષા કરે છે તે કારણથી તે ગાયત્રી નામથી પ્રસિદ્ધ છે. ગાયત્રીનો વિશેષ અર્થ શાંકરભાષ્ય અને સુરેશ્વરાચાર્ય વાર્તિક અનુસાર એમ છે કે:

સં. ગાયન્ એટલે પ્રાણને અને ગાયતે એટલે રક્ષણ કરે છે. તે ઉપરથી પ્રાણનું રક્ષણ કરનાર તે ગાયત્રી કહેવાય છે. ગૈ અને ત્રા એ બે ધાતુનો ગાયત્રી શબ્દ થયો છે. ગૈ ધાતુનો અર્થ ગાન અને ત્રા ધાતુનો અર્થ રક્ષણ એમ કરીએ તો તેનો વ્યુત્પન્ન અર્થ એવો થાય કે બ્રહ્મનું કીર્તન કરનારનું રક્ષણ કરે તે. આ મંત્ર ૨૪ અક્ષરનો છે અને તેના ઉચ્ચારણની સાથે ૨૪ પાંખડીનો ક્ષોભ થાય છે. આ ક્ષોભ વર્તુલાકારે થાય છે. ગાયત્રી મંત્રના દરેક શબ્દમાંથી એક જ્યોતિ નીકળે છે. ગાયત્રી આપણા મૂળાધારમાંથી નીકળી દંડની જેમ કંઠસ્થાન સુધી પહોંચે છે. ત્યાંથી વાણી દ્વારા પ્રગટ થાય છે અને પછી ભૂતમાત્રમાં જાય છે. ત્યાંથી અગ્નિની વેદી ઉપર આવી અગ્નિમંડળમાં પ્રવેશ કરે છે. ત્યાંથી પૃથ્વીની કૂખમાં પ્રવેશે છે અને આસનસ્થ મંત્રોચ્ચાર તથા અનુષ્ઠાન કરનાર મંત્રવિદના ચરણમાંથી તેના શરીરમંડળમાં પેસી હૃદયમાં જાય છે, ત્યાંથી પ્રાણશક્તિરૂપે પ્રાણમંડળમાં ફરે છે. આવી રીતે છ કૂખોમાં ફરીને પ્રાણમંડળમાં આવેલી ગાયત્રીને મંત્રશાસ્ત્રમાં ભૂભેદી કહી છે. ઉપરથી તો આ મંત્ર આપણને સામાન્ય સરખો લાગે છે, પણ તેમાં ત્રણ પ્રકારનાં અસ્ત્રો રહેલાં છે. ૧. બ્રહ્મદંડ, જેનું પાલાસ દંડ એ પ્રતીક છે. ૨. બ્રહ્મશિરસ, જેનું બોડિયાકલારનો કટકો એ પ્રતીક છે અને ૩. બ્રહ્માસ્ત્ર, જેનું ચોવીશ દળ કમળ એ પ્રતીક છે. ગાયત્રીનું ચોવીશ અક્ષરાત્મિકા ચક્ર જે રીતે ભૂભેદ અને ભુવર્ભેદ કરે છે તે રીતે સ્વરભેદ પણ કરે છે. ગાયત્રીના ૨૪ અક્ષરની ૨૪ શક્તિ નીચે પ્રમાણે છે: વામદેવી. પ્રિયા, સત્યા, વિશ્વા, ભદ્રવિલાસિની, પ્રભાવતી, જયા, શાન્તા, કાન્તા, દુર્ગા, સરસ્વતી, વિદ્રુમા, વિશાલેશા, વ્યાપિની, વિમલા, તમોપહારિણી, સક્ષ્મા, વિશ્વયોનિ, જાયા, વશા, પદ્માલયા, પરાશોભા, ભદ્રા અને ત્રિપદા. ગાયત્રીના ચોવીશ દેવતાઓનાં નામ નીચે પ્રમાણે છે: અગ્નિ, પ્રજાપતિ સોમ, ઈશાન, સવિતા, આદિત્ય, બૃહસ્પતિ, મિત્રાવરુણ, ભગ, અર્યમા, ગણેશ, ત્વષ્ટા, પૂષા, ઇંદ્ર, વાયુ, વામદેવ, વિશ્વદેવા, માતૃગણ, વિષ્ણુ, વસૂ, રુદ્ર, કુબેર અને અશ્વિનીકુમાર. શ્રીકૃષ્ણ પરમાત્મા કહે છે કે ગાયત્રી સર્વે વેદોનો પ્રાણ છે. ગાયત્રી વિના વેદો નિર્જીવ છે માટે ગાયત્રી જપ કરવો. જે મનુષ્યો ભક્તિ વડે વિષ્ણુ કે વ્યંબકની નિત્ય પૂજા કરે છે તે ધર્મલોક કે રુદ્રલોકમાં જાય છે. ગાયત્રીનાં મંદિરો હિંદુસ્તાનમાં ક્વચિત્ જ જોવામાં આવે છે. કાઠિયાવાડમાં દક્ષિણ ભાગમાં સમુદ્ર કિનારે પરનાવડા નામના ગામમાં એક ગાયત્રીનું મંદિર છે યદ્યપિ ત્યાં શિલાલેખ નથી તોપણ તે મંદિર ચૌલુક્ય કાળનું હોવાનું સંભવનીય છે. ગાયત્રી એ વેદમંત્ર છે. તેના ૨૪ અક્ષર છે અને અક્ષરે અક્ષરના ઋષિ, છંદ, દેવતા વગેરે નીચે પ્રમાણે પૃથફ્, પૃથક્ મનાય છે:
૫. स्त्री. ( પુરાણ ) એ નામની એક દેવી; સાવિત્રી સરસ્વતી એ નામો વડે ઓળખાતી બ્રહ્મદેવની જ્ઞાનશક્તિ. એનું સ્થાન પુષ્કરજીમાં છે. બ્રહ્માની સ્ત્રી સાવિત્રી એક ગોવાળની પુત્રી હતી માટે ગાયત્રી કહેવાઈ.
૬. स्त्री. ખેર નામની વનસ્પતિ.
૭. स्त्री. ગંગા.
૮. स्त्री. છની સંખ્યા; છ બતાવનારી સંજ્ઞા.
૯. स्त्री. દુર્ગા.
૧૦. स्त्री. પૃથ્વીની પ્રતિફલિત થઈ સૂર્યની તરફ જનારી શક્તિ.
૧૧. स्त्री. મણિદ્વીપની અંદર આવેલી ૬૪ માંહેની એક કલા. જુઓ કલા.
૧૨. स्त्री. શિવશક્તિનું એક નામ. શિવ પોતે નિરાકાર છે. તેની ઇચ્છા કે જે માયારૂપ કિંવા શક્તિરૂપ છે, તે જપ કરનારા વિવેકી પુરુષોને પરમ પુરુષાર્થ આપનારી હોવાથી ગાયત્રી કહેવાય છે.
૧૩. स्त्री. શ્વાસોચ્છવાસ. હમેશ દિવસે અને રાત્રે મળીને જીવ એકવીશ હજાર અને છસો વાર અજપા નામે ગાયત્રીનો જપ કરે છે.