English
ફોનેટિક કીબોર્ડ  ગુજરાતી કીબોર્ડ
શબ્દકોશનો ઉદ્ભવ અને વિકાસ
ભગવદ્ગોમંડલ - ઐતિહાસિક દૃષ્ટિએ

૧૯૪૪નું વર્ષ ગુજરાતી ભાષાના શબ્દકોશ રચનાના ઇતિહાસમાં સીમાસ્તંભ રૂપ છે. એવું નથી કે આ પહેલાં કોઈ કોશ ગુજરાતી ભાષામાં રચાયા નથી અથવા તો રચાયા છે તે આધારભૂત કે વિશ્વસનીય નથી. મહાત્મા ગાંધીજીના આદેશથી ત્રણ પ્રખર વિદ્વાનો - કાકાસાહેબ કાલેલકર, મહાદેવભાઈ દેસાઈ અને નરહરિભાઈ પરીખ દ્વારા રચાયેલ સાર્થ જોડણીકોશ ૧૯૨૯થી ઉપલબ્ધ છે. ગુજરાતી ભાષાની જોડણી માટે ગુજરાતી સાહિત્ય પરિષદે તેને ૧૯૩૬માં માન્યતા આપી અને તે સમયની મુંબઈ સરકારે ૧૯૪૦માં આજે પણ તે એક માત્ર ગુજરાતી ભાષાની જોડણી માટે માન્ય અને પ્રમાણભૂત કોશ છે. પરંતુ ૧૯૪૪નું વર્ષ એ એવું વર્ષ હતું કે જે વર્ષે ગુજરાતી ભાષાને એક અમૂલ્ય કોશ મળ્યો જે સર્વગ્રાહી (encyclopedic) શબ્દકોશ છે. તે વર્ષે ભગવદ્ગોમંડલનો પ્રથમ ભાગ પ્રકાશિત થયો અને કેવો અદ્ભુત કોશ ! તેના પ્રથમ ભાગમાં ૧૨"X૮.૫" સાઇઝનાં ૯૦૨ પૃષ્ઠોમાં ૨૬૬૮૭ શબ્દો, તેના ૫૧૩૩૮ અર્થો અને ૧૩૦૩ જેટલા રૂઢિપ્રયોગો છે. તેને જોતાં જ કોઈ પણ ગુજરાતીના આશ્ચર્યની સીમા ન રહે. તેના મુખેથી "અહોહો" ઉદ્ગાર સરી પડે એ હકીકતથી કે ગુજરાતી ભાષાના પ્રથમ સ્વર 'અ'થી શરૂ થતા શબ્દો જ તેનાં બધાં જ ૯૦૨ પાનાં રોકે છે. સ્વાભાવિક છે કે કોઈ પણ ગુજરાતીના હૃદયમાં થાય કે 'અહોહો! મારી માતૃભાષાનો શબ્દભંડાર આટલો વિશાળ, સાગર જેવો છે!" કારણ કે બાકીના દસ સ્વર અને બધા જ વ્યંજનોથી શરૂ થતા શબ્દો સમાવતા બાકીના આઠ ભાગ પણ તૈયાર હતા જેમને ક્રમશ: પ્રકાશિત કરવાની યોજના અમલમાં હતી. અલબત્ત, બાકીના આઠ ભાગ પ્રકાશિત થતાં સંજોગવશાત્ ૧૧ વર્ષે નીકળી ગયાં. છેલ્લો ભાગ એટલે કે નવમો ભાગ પ્રકાશિત થયો ૧૯૫૫માં. માતૃભાષા પ્રેમી ગુજરાતીઓને પોતાની ભાષાનો આવો અજોડ શબ્દકોશ - જ્ઞાનકોશ તૂલ્ય શબ્દકોશ પ્રાપ્ત થતાં કેવો આનંદ થયો હશે તેની તો કલ્પના જ કરવી રહી. પરંતુ તે દરેકને અને ખાસ કરીને ગોંડલ રાજ્યના પ્રત્યેક પ્રજાજનના દિલને મોટો વસવસો થયો હશે કે તેનો પ્રથમ ભાગ પ્રકાશિત થાય તેના થોડા માસ પૂર્વે જ તેના રચયિતા મહારાજા ભગવતસિંહજી ૯ માર્ચ ૧૯૪૪ ના રોજ ૭૮ વર્ષની ઉંમરે સ્વધામ ગયા. અને પ્રથમ ભાગ પ્રકાશિત થયો પાંચ માસ બાદ ઓગષ્ટ ૧૯૪૪માં. ગુજરાતી ભાષા માટે તેમને એવો પ્રેમ હતો કે તેઓ આ કોશને ગુજરાતી પ્રજાને ઉપલબ્ધ કર્યા વિના ભૂલોક છોડવા નહોતા માગતા એમ લાગ્યા વિના રહેતું નથી. ગુજરાતી શબ્દકોશના ઇતિહાસમાં તેમનું નામ સુવર્ણ અક્ષરોથી અંકિત થયું છે. વસવસો ફક્ત એ વાતનો કે તેઓ તેમના આ અજોડ કાર્યને મુદ્રિત સ્વરૂપે, લોકાના હાથમાં જે સ્વરૂપે મૂકવાની તેમની ઇચ્છા હતી તે સ્વરૂપે, તેઓ તે નીરખી ન શક્યા. આ મહાન કોશની પ્રસ્તાવના ગાંધીજી લખે તેવી તેમની અદમ્ય ઇચ્છા હતી, તે માટે તેમણે ગાંધીજીને વિનંતી પણ કરી હતી. પરંતુ પ્રસ્તાવના લખવા માટે ગાંધીજીએ અસમર્થતા દર્શાવી બે સચોટ વાક્યોમાં પ્રત્યુત્તર આપ્યો જે દર્શાવે છે કે ગાંધીજી આ કાર્યથી કેટલા પ્રભાવિત થયા હતા. ગાંધીજીએ લખ્યું છે : "પ્રસ્તાવના લખવાની મારી શક્તિ નથી. તમારા સાહસથી હું મુગ્ધ થયો છું. એથી માતૃભાષાની મોટી સેવા થશે એમ હું માનું છું. ગાંધીજીના આ શબ્દોથી મહારાજાએ ધન્યતા અનુભવી હશે.

ગુજરાતી ભાષામાં શબ્દકોશના શ્રીગણેશ મંડાયા એક વિદેશીના હસ્તે, આશરે બસો વર્ષ પહેલાં ઈ.સ. ૧૮૦૮માં. આ વિદેશી હતા ડો. ડ્રમન્ડ. તેમનો જન્મ ચોક્કસ ક્યારે થયો તે જાણવા મળતું નથી. પણ ૧૭૯૨માં કૉર્પોરેશન ઑફ સર્જનનું સર્ટિફિકેટ (C.S.S.) મેળવ્યા પછી ૧૭૯૩-૯૪માં તેઓ મુંબઈ આવ્યા. ૧૭૯૭ના જાન્યુઆરીની ૧૩મી તારીખે તેમની નિમણૂક આસિસ્ટન્ટ સર્જન તરીકે થઈ. તેમણે વડોદરા અને અમદાવાદમાં પણ ડૉક્ટર તરીકે કામ કરેલું. ૧૮૦૦ની સાલમાં ઇંગ્લેન્ડની કિંગ્સ કૉલેજમાંથી એમ.ડી.ની ડિગ્રી મેળવ્યા પછી ૧૮૦૩ના ફેબ્રુઆરીની પહેલી તારીખથી તેઓ મુંબઈના સર્જન જનરલ બન્યા. લેડી ડેન ડંડાસ જહાજમાં બેસી તેઓ ૧૮૦૯માં સ્વદેશ જવા રવાના થયા પણ ૧૪મી માર્ચે તે જહાજ મધદરિયે ડૂબી જતાં ડ્રમન્ડનું અવસાન થયું.

કોઈ પણ ભાષાના શબ્દકોશથી આપણે જે સમજીએ છીએ - ભાષાના શબ્દો, તેના અર્થ, આવશ્યક હોય ત્યાં સમજ, વ્યાકરણીય માહિતી વગેરે - તેને તો હજી ખાસી વાર હતી. ડ્રુમન્ડનો તો ટચૂકડો કોશ હતો, જેમાં તેણે ૪૬૩ અંગ્રેજી શબ્દોના અર્થ કે સમજ આપી હતી. તે ગુજરાતી ભાષકો કે ગુજરાતી ભાષા માટે પણ ન હતો. ભારતમાં વેપાર અર્થે આવેલા અંગ્રેજોને ગુજરાતમાં વ્યાપારી પ્રવૃત્તિ કરવામાં સહાય થાય તે હેતુથી આ કોશ રચાયેલો અને મુખ્યત્વે ગુજરાતીઓની વેપારની રીતરસમ, તેનો વેપારઉદ્યોગ અને અગત્યનાં વેપારી મથકોને ખ્યાલમાં રાખી તે બનાવવામાં આવ્યો હતો. ખાસ નોંધપાત્ર હકીકત આ કોશ અંગે એ છે કે તેમાં ગુજરાતી, અંગ્રેજી અને મરાઠી વ્યાકરણ પણ આપવામાં આવ્યું છે. ત્યાર પછી ૧૮૩૫, ૧૮૪૧, અને ૧૮૪૬માં પણ શબ્દકોશ રચાયા, પરંતુ ૧૮૪૬ના છેલ્લા શબ્દકોશમાં પણ માત્ર ૧૫૦૦૦ શબ્દો જ હતા. તદુપરાંત એ હકીકતની પણ નોંધ લેવી જ રહી કે આ સઘળા એકભાષી એટલે કે ગુજરાતી ટુ ગુજરાતી શબ્દકોશ ન હતા. બધા જ દ્વિભાષી શબ્દકોશ હતા અને બધા જ અંગ્રેજી-ટુ-ગુજરાતી એટલે કે તેમાં અંગ્રેજી શબ્દોના ગુજરાતી પર્યાયો અપાયા હતા. આમ જેને સાચા અર્થમાં ગુજરાતી ભાષાનો પ્રથમ કોશ કહી શકાય, જેમાં ગુજરાતી ભાષાના શબ્દો સામે તેના પર્યાય કે તેના અર્થ કે સમજ ગુજરાતી ભાષામાં આપવામાં આવ્યાં હોય તેને ઝાઝી ન કહીએ તો પણ અડધી સદીની વાર હતી.

સાચે જ જેને ગુજરાતી ભાષાનો પ્રથમ શબ્દકોશ કહી શકાય તેના સર્જન માટે સર્વ પ્રથમ, નોંધપાત્ર અને મહા ઉપક્રમ હાથ ધર્યો કવિ નર્મદે એટલે કે વીર નર્મદે ઈ.સ. ૧૮૬૧માં એકલે હાથે તે બાર વર્ષ સુધી મથ્યો રહ્યો. તેનો પ્રથમ ભાગ ઈ.સ. ૧૮૬૧માં અને વધુ ત્રણ ભાગ પછીનાં ત્રણ વર્ષમાં તેણે પ્રસિદ્ધ કર્યા. ઉચિત રીતે જ તેને 'નર્મકોશ' નામ આપવામાં આવ્યું છે. પરંતુ નાણાંકીય મુસીબતના કારણે કામમાં રુકાવટ આવી. છેવટે ૧૮૭૩માં તે સંપૂર્ણ પણે પ્રસિદ્ધ થઈ શક્યો. ગુજરાતી ભાષાના શબ્દકોશ માટે આ પ્રથમ વ્યવસ્થિત, ઉપલબ્ધ માહિતી અને જ્ઞાનના સંદર્ભે શક્ય તેટલી વૈજ્ઞાનિક ચોકસાઈ ભરી પદ્ધતિ તેણે અપનાવી હતી. તેમાં ૨૫૦૦૦ શબ્દોના અર્થ કે સમજ આપવામાં આવી છે. વડોદરા રાજ્યના મહારાજા સયાજીરાવ ગાયકવાડે રાજ્યનો વહીવટ ગુજરાતીમાં જ કરવાનો નિર્ણય કરો તેનો ચુસ્ત અમલ પણ કરાવ્યો. વડોદરા રાજ્યની રાજભાષા ઈ.સ. ૧૮૯૦થી ગુજરાતી હતી, તે એટલે સુધી કે કોર્ટોમાં સાક્ષીઓની તપાસ, હુકમો અને ચૂકાદા પણ ગુજરાતીમાં જ અપાતા. વડોદરામાં આવેલી રાજ્યની હાઇકોર્ટ પણ તેમાં અપવાદ રૂપ ન હતી. રાજ્યના બધા કાયદા પણ ગુજરાતીમાં ઘડાતા હતા. રાજભાષા તરીકે ગુજરાતીનો ઉપયોગ કરવામાં સરળતા રહે તે માટે વહીવટી શબ્દકોશ રચવા સમિતિ નીમવામાં આવેલી અને રાજ્ય વહીવટી પરિભાષાનો બૃહદકોશ તૈયાર કરવામાં આવ્યો હતો. તેને 'શ્રી સયાજી-શાસન-શબ્દ-કલ્પતરુ' નામ આપવામાં આવ્યું હતું. (અહીં સહેજે મરાઠા સામ્રાજ્યના સ્થાપક છત્રપતિ શિવાજી મહારાજની યાદ આવે છે જેમણે રાજભાષા તરીકે ફારસી દૂર કરી મરાઠી ભાષાને તેનું સ્થાન આપ્યું. સાથોસાથ પ્રધાન રઘુનાથ પંત, જેઓ તે માટે સક્ષમ હતા, તેમને રાજ્યવ્યવહાર માટે કોશ બનાવવાની કામગીરી સોંપવામાં આવી. આ કોશનું નામ પણ 'રાજ્યવ્યવહાર કોશ' રાખવામાં આવ્યું હતું.)

રાષ્ટ્રપિતા ગાંધીજી ગુજરાતમાં જન્મ્યા હતા અને ગુજરાતી તેમની માતૃભાષા હતી એ સુખદ સંયોગને પ્રતાપે ગુજરાતી ભાષાને એક એનોખો કોશ મળ્યો. ગુજરાતી ભાષાની જોડણી માટે કોઈ વ્યવસ્થિત પદ્ધતિ ન હતી, પરિણામે લેખનમાં જોડણીની એકવાક્યતા પણ ન હતી. સામાન્ય માણસને તેનાથી કોઈ મુશ્કેલી ન હતી, તેથી તેને તેની કંઈ તમા પણ ન હતી. તેને તો ભાગ્યે જ કલમ પકડવાની હોય, જ્યારે બીજા ગામમાં કોઈ સંદેશો કે ખબર મોકલવાનો પ્રસંગ ઊભો થાય. તે તેને ઠીક લાગે તે જોડણી કરતો, તેને તો પોતાનો લખેલ સંદેશ સામાને સમજાય તેનાથી જ સંતોષ હતો. જોડણી આમ કરી હોય કે તેમ તેથી તેમાં કોઈ બાધા આવતી ન હતી. જોડણી અંગે તે સમયે જે અરાજકતા હતી. મંડણીનો પ્રશ્ન હતો તો તે સમયના સાક્ષરો માટે. પરંતુ આ વિદ્વાનોના મોટાભાગને જોડણી માટે આગલા ખ્યાલો હતા. અને એકબીજાથી ખાસા જુદા પડતા હતા. ૧૯૦૫માં સ્થપાયેલ ગુજરાતી સાહિત્ય પરિષદ સમક્ષ આ યક્ષપ્રશ્ન હતો. પરિષદના પ્રથમ પ્રમુખ આદરણીય ગોવર્ધનરામ ત્રિપાઠી અને તેમના અનુગામી પ્રમુખો તેમના પ્રમુખીય વક્તવ્યમાં આ પ્રશ્નને અછડતો ઉલ્લેખ કરીને જ અટકી ગયા હતા, કારણ કે મતભેદ ખાસા વિશાળ હતા અને કોઈ વિદ્વાન પોતાનો મત છોડવા તૈયાર ન હતા. આ વિસંવાદ ૧૯૨૯ સુધી ચાલ્યો.

ગુજરાતી ભાષાની બહુમાન્ય જોડણીનો અભાવ ગાંધીજીને હંમેશ ખટકતો. તેમણે સંકલ્પ કર્યો કે માતૃભાષાની આ દુર્દશા દૂર કરવી જ જોઈએ. પણ ઉપાય? વિદ્વાનોમાં પ્રવર્તમાન પરિસ્થિતિથી તેઓ વાકેફ હતા જ. તેમના દ્વારા તો આ પ્રશ્ન ઉકેલી શકાય એમ જ ન હતો. એટલે તેમણે તેમની સાથેના જ ત્રણ વિદ્વાનો કાકાસાહેબ કાલેલકર, મહાદેવભાઈ દેસાઈ અને નરહરિભાઈ પરીખને આ કામ સોંપ્યું. તેમણે જેમનો સાથ મળ્યો તે વિદ્વાનોના સહકારથી જોડણીના નિયમો બનાવ્યા, એ વિષયમાં અધિકાર અથવા રસ ધરાવતા લોકો પર તે મોકલી તેમના અભિપ્રાય માગ્યા. ઘણા લોકોની સામાન્ય સંમતિ મળતાં તેમને આખરી રૂપ આપ્યું. પરિણામે ગૂજરાત વિદ્યાપીઠ દ્વારા ૧૯૨૯માં 'જોડણીકોશ' મળ્યો એપ્રિલના પહેલા અઠવાડિયામાં. આ કોશને ગાંધીજીના આશીર્વાદ મળ્યા. ૭-૪૧૯૨૯ના નવજીવનના અંકમાં એક ટૂંકી નોંધ રૂપે તેને આશિષ વચન કહ્યાં. આ કોશ માટે તે એક કિંમતી અલંકાર છે, જે સર્વથા યોગ્ય રીતે જ તેની દરેક આવૃત્તિમાં પ્રદર્શિત કરવામાં આવે છે. આ કોશની વિશિષ્ટતા અને અનન્યતા એ છે કે તે શબ્દકોશ નથી, 'જોડણીકોશ' છે. તેની પ્રથમ આવૃત્તિમાં કક્કાવાર શબ્દોની જોડણી માત્ર આપવામાં આવી છે, તેની સામે તેના અર્થ આપવામાં આવ્યા નથી. તેથી યોગ્ય રીતે જ તેની પ્રથમ આવૃત્તિને 'જોડણીકોશ' નામ આપવામાં આવ્યું છે. પ્રારંભથી જ શબ્દોના અર્થ નહિ પણ માત્ર જોડણી આપવાનો જ લક્ષ્યાંક રાખવામાં આવ્યો હતો અને તે જ સિદ્ધ કરવામાં આવ્યો.

એક વર્ષમાં તો તેની બધી નકલો ખપી ગઈ. અને બીજી આવૃત્તિ પ્રસિદ્ધ કરવાની જરૂર ઊભી થઈ. ત્યારે કોશકારોને લાગ્યું કે "લોકોને કેવળ શુદ્ધ જોડણી પૂરી પાડીને કોશ કૃતાર્થ ન જ થઈ શકે. એટલે જોડણી સાથે શબ્દોના કાંઈ નહિ તો મુખ્ય અર્થો ટૂંકમાં આપવા એ આવશ્યક હતું." આમ બીજી આવૃત્તિમાં શબ્દોના અર્થ પણ આપવામાં આવ્યા અને કોશનું નામ પણ 'જોડણીકોશ'ને બદલે 'સાર્થ જોડણીકોશ' રાખવામાં આવ્યું. એક દૃષ્ટિએ આ સાચા અર્થમાં 'અનન્ય' કોશ છે. માત્ર જોડણી માટે (પ્રથમ આવૃત્તિ) અથવા તો જેમાં 'જોડણી'ની સચ્ચાઈ કેન્દ્રસ્થાને હોય અને શબ્દના અર્થનું સ્થાન તેના પછી હોય (ત્યાર પછીની આવૃત્તિઓ) તેવો કોઈ કોશ વિશ્વની કોઈ ભાષામાં આજદિન સુધી રચાયો હોય તેવું જાણમાં નથી. આમ આ કોશ સાચે જ વિશ્વભરમાં 'અનોખો' કોશ છે.

ગુજરાતી ભાષામાં વ્યાપક અને સામાન્ય ઉપયોગમાં લેવાતો કોશ સાર્થ જોડણીકોશ જ છે. એક તો તે માન્ય જોડણીકોશ છે અને ભલે શબ્દના અર્થ કે સમજ જે જે અર્થ કે અર્થછાયામાં તે વપરાયો હોય તે દરેક તેમાં ન આપવામાં આવ્યો હોય તો પણ સામાન્ય ભાષકની જરૂરિયાત તેનાથી સંતોષાય છે. તેમ છતાંય તે સંપૂર્ણ કે સર્વગ્રાહી શબ્દકોશ નથી; તેના માટે તેની રચના કરનાર સંસ્થાનો તેવો દાવો પણ નથી. તેની પ્રથમ આવૃત્તિમાં ૪૩૭૪૩ શબ્દો હતા. (પૃષ્ઠ ૩૭૩; તેની 'પડતર કિંમત પોણાચાર રૂપિયા' હતી, 'વેચવાની કિંમત ત્રણ રૂપિયા') બીજીમાં ૪૬૬૬૧, (ઈ.સ. ૧૯૩૧), ત્રીજીમાં ૫૬૩૮૦ (૧૯૩૭) ચોથીમાં થોડા વધારે (ઈ.સ. ૧૯૪૯) પણ ખાસ ઉમેરો ન હતો, પાંચમીમાં ૬૮૪૬૭. પાંચમી આવૃત્તિ ૧૯૬૭માં પ્રસિદ્ધ થઈ ત્યારબાદ આજ સુધી પાંચમી આવૃત્તિનાં પુનર્મુદ્રણ જ થયા કર્યાં છે. તેના શબ્દભંડોળમાં કોઈ વધારો થયો નથી. વર્ષ ૨૦૦૫માં તેની પૂરવણી પ્રસિદ્ધ થઈ, તેનો ઉદ્દેશ અન્ય ભાષાના, વિશેષે કરીને અંગ્રેજી ભાષાના જે શબ્દો વ્યાપક રીતે વપરાતા હોય અને લગભગ રૂઢ જેવા થઈ ગયા હોય તે શબ્દો આપવા પૂરતો મર્યાદિત હતો. આ પૂરવણીમાં ૫૦૦૦ શબ્દો છે. આમ સાર્થ જોડણીકોશમાં ૬૮૪૭૩+૫૦૦૦ = ૭૩૪૭૩ જેટલા શબ્દો છે.

સાર્થ જોડણીકોશ પછી ગુજરાતી ભાષાના શબ્દકોશની તવારીખમાં મોટી ફાળ, હરણ ફાળ ભરાઈ 'ભગવદ્ગોમંડલ'થી ઈ.સ. ૧૯૪૪માં. સાર્થ જોડણી કોશે લાંબી મજલ કાપવાની બાકી હતી અને આજે પણ છે. આ લાંબી મજલ કાપવાનું કામ ભગવદ્ગોમંડલે કર્યું. ભગવદ્ગોમંડલમાં ૨૮૧૭૩૩ શબ્દો છે, જેના પ્રમાણમાં સાર્થમાં તેના ૨૬% જેટલા જ શબ્દો છે. માત્ર શબ્દસંખ્યા કે તેના કદની દૃષ્ટિએ જ ભગવદ્ગોમંડલ અનન્ય છે, એમ નથી. તેની કેટલીક આગવી વિશિષ્ટતાઓ પણ છે. શબ્દકોશમાં સામાન્ય રીતે શબ્દ, તેની વ્યુત્પત્તિ, અન્ય ભાષામાંથી આવ્યો હોય તો તેની માહિતી તે જે અર્થમાં વપરાતો હોય તે અર્થ કે તેની સમજ, તેના પર્યાય, પારિભાષિક શબ્દ હોય તો તેની માહિતી, તેને લગતા રૂઢિપ્રયોગ અને કહેવત, શબ્દ લિખિત રીતે ભાષામાં વપરાયો હોય તો સંબંધિત વાક્ય કે કાવ્યપંક્તિ આપવામાં આવે છે. ભગવદ્ગોમંડલમાં પણ તેમ જ છે પરંતુ કોઈ પણ ભાષાના શબ્દકોશ કરતાં ભગવદ્ગોમંડલની કેટલીક આગવી વિશિષ્ટતાઓ છે. એક તો શબ્દના જ જુદા જુદા ભાગ અને દરેક ભાગનો અર્થ અથવા પ્રત્યય હોય તો તે પ્રત્યય શો ભાગ દાખવે છે તેની વિગતો શબ્દ સામે તરત જ આપવામાં આવેલ છે.
દા.ત.
અગ્રચર   ૧. [સં. અગ્ર (આગળ) + ચર્ (ચાલવું)] પું. આગેવાન, નેતા.

અકર્મણ્યતા  ૧. [સં. અ (નહિ ) + કર્મણ્ય (કરવા યોગ્ય) + તા (નામ બનાવનાર પ્રત્યય)] સ્ત્રી. કરવાને અયોગ્ય હોવાપણુ
૨. સ્ત્રી. કામ કરવાની અશક્તિ, કાર્યશક્તિ ન હોવાપણું
૩. સ્ત્રી. નિરુદ્યમીપણું.

સામાન્ય રીતે કોશમાં અવતરણો અપાતાં હોય છે પરંતુ આજ દિન સુધી ગુજરાતી ભાષાના કોઈ કોશમાં આપવામાં આવેલ નથી. શબ્દ લિખિત સ્વરૂપે ભાષામાં વપરાયો હોય તે સંબંધિત વાક્ય કે કાવ્યપંક્તિનું અવતરણ આપવાની પ્રથા ભગવદ્ગોમંડલમાં શક્ય તેટલી હદે અમલમાં મુકાઈ છે. તેના પ્રથમ ચાર પાન પર જ અનુક્રમે ૪, ૧૨, ૭, ૩ એમ કુલ ૨૫ થી વધુ અવતરણો આપવામાં આવ્યાં છે. અવતરણો જેમાંથી લીધાં છે તે પુસ્તકો કે લેખકોનું વૈવિધ્ય પણ નોંધપાત્ર છે, - આરણ્યક (૧), ઋષભદેવ (૧). કેશવ હ.ધ્રુવ (૧) ગાયનવાદન પાઠમાળા (૧). ગિજુભાઈ (૧), જયકૃષ્ણ ઈંદ્રજી (૧), ધનપાલ (૧), નરસિંહરાવ (૨), પદ્મનાભ (૧), પ્રેમાનંદ (૪), ભીમ. (૧), મરઝબાન (૧), વલ્લભ (૧), શામળ (૧) ઉપરાંત પ્રચલિત ભજન (૧) કે સ્ત્રીગીત (૧)નો ઉપયોગ પણ આ હેતુ માટે કર્યો છે. આ હેતુ માટે લોકોક્તિ, લોકગીત, લગ્નગીત કે કહેવતનો ઉપયોગ પણ થયો છે, દા.ત. 'અંતર' શબ્દના 'ફેર, તફાવત, ફરક' અર્થ માટે અવતરણ રૂપે 'આદમી - આદમી અંતર - કોઈ હીરા કોઈ કંકર' એ કહેવત તથા "અખતરડાહ્યું" શબ્દના અર્થ "દોઢડાહ્યું" માટે "અખતરડાહ્યાએ ડહાપણ કર્યું, હિંગના કુલ્લામાં ઘી ભર્યું" એ કહેવત આપી છે. તેવી જ રીતે 'અખણ' શબ્દના અર્થ "સ્ત્રી. (ગ્રામ્ય) ઉત્તરદિશા" માટે "અખણ દખણ દહીંના ઠાકર, દહીં દુઝાણું" એવી લોકગીતની પંક્તિ આપી છે. "અખાડીલું" શબ્દના અર્થ "વિ. અષાડ મહિનાનું, અષાઢી' અર્થ માટે "ચડી આવ્યો અખાડીલો મેહ" એવી લગ્નગીતની પંક્તિ આપી છે. તેવી જ રીતે "અખાત્રીજ"ની અર્થસમજ "સ્ત્રી. વૈશાખ સુદ ત્રીજ" માટે પાંચમની જોવાય વીજળી, અખાત્રીજનો જોવાય વા" એ લોકોક્તિ આપી છે.

અલબત્ત, એ નોંધવું જોઈએ કે અવતરણોની સંખ્યા ઠીક ઠીક ઓછી છે. તેના આછા ખ્યાલ માટે 'એટ રેન્ડમ' યદૃચ્છા તેનાં વીસેક પાનાં પાનં ૧૯૦૧ થી ૧૯૨૦નું સર્વેક્ષણ કરીએ તો તેના પર ૮૪૯ શબ્દો, ૧૬૧૬ અર્થો અને ૩૦ અવતરણો આપ્યાં છે. આમ શબ્દોના ૩.૫૩૩% અને અર્થોના ૧.૮૫૬% જ અવતરણો છે. પરંતુ તે સ્વાભાવિક છે. ભાષામાં જ્યારે કોઈ સર્વગ્રાહી શબ્દકોશ જ ન હતો, ત્યારે શબ્દો એકત્ર કરવા, દરેક શબ્દ જે કોઈ અર્થમાં ક્યાંય વપરાયો કે વપરાતો હોય તેની વિગતો મેળવવી એ જ મહાભારત કામ હતું. તેમાં જે તે અર્થમાં શિષ્ટ સાહિત્યમાં ઉપયોગ થયાનાં અવતરણો મેળવવાં એ તો મહાભારતથી ઘણું મોટું કામ અવશ્ય હતું. ૧૯૨૮માં જ્યારે ભગવતસિંહજીએ શબ્દકોશના કામનો પ્રારંભ કર્યો ત્યારે ગુજરાતી ભાષામાં પુસ્તકોની સંખ્યા કેટલી હશે તે પણ ખાસ લક્ષમાં લેવું જોઈએ. સાથોસાથ ત્યારે પ્રજામાં શિક્ષણનું પ્રમાણ પણ ખાસું ઓછું હતું તેની અવગણના પણ ન થઈ શકે. આવા કાર્ય માટે પ્રજાના શિક્ષિત વર્ગ પર જ આધાર રાખવો પડે, જેમ ઓક્સફર્ડ ડિક્શનરી માટે કરવામાં આવ્યું હતું; છતાં તેને સમગ્ર કોશ તૈયાર કરતાં ૭૦ વર્ષ લાગ્યાં હતાં. મહારાજા ભગવતસિંહજીની મહેચ્છા તો શબ્દકોશને "શિષ્ટ લેખકોના પ્રયોગોથી પ્રમાણભૂત" બનાવવાની હતી. આ માટે તેમણે સાહિત્યપ્રેમી સજ્જનોને જાહેર અપીલ પણ કરી હતી. તેનો કેટલો પ્રતિસાદ મળ્યો તેની માહિતી ઉપલબ્ધ નથી. સંભવ છે આ માટે મહારાજા પોતે તથા કોશકચેરીમાં રોકેલ વિદ્વાનોએ જ ઝાઝું કામ કર્યું હોય. આ સમગ્ર પરિસ્થિતિ લક્ષમાં લેતાં અવતરણો બાબતે જેટલું કાર્ય 'ભગવદ્ગોમંડલ'માં થયું છે તે નાનુંસૂનું તો નથી જ. સાથે જોડણીકોશની પહેલી અને બીજી આવૃત્તિ વખતે આ બાબતે વિચાર કરવાનો પણ અવકાશ ન હતો તે હકીકત છે. પરંતુ ત્યારબાદ ૧૯૩૧થી માંડી તેના છઠ્ઠા પુનર્મુદ્રણ (૨૦૦૫) કે તે પછી તેની પૂરવણી (૨૦૦૫) સુધી પણ તેનો વિચાર કરાયો હોય તેમ લાગતું નથી. સંભવત: તે સંસ્થાનું ધ્યાન ખાસ કરીને શબ્દભંડોળ સર્વગ્રાહી કરવા પર કેન્દ્રિત હતું અને તે બાબતે ખાસું કામ થયું છે; શબ્દ સંખ્યામાં પ્રથમ આવૃત્તિ કરતાં ૧૬૮% નો વધારો થયો છે, જે સાચે જ દાદ માગી લે છે.

ભગવદ્ગોમંડલનું બીજું વિશિષ્ટ પાસું છે શબ્દના અર્થની સાથોસાથ શબ્દના અર્થ સંબંધે, તેના ઉપયોગ વિશે, કે તે જે વસ્તુ, પદાર્થ કે ભાવ જે કંઈ રજુ કરતો હોય તે સંબંધી જાણવા જેવી બાબત હોય તો તેની નોંધ, શક્ય તેટલી સંક્ષિપ્તમાં છતાં સંપૂર્ણ કહી શકાય તેવી, આપવામાં આવી છે. ભગવદ્ગોમંડલનું પ્રથમ પાન જોતાં જ સ્વર 'આ વિશે જે નોંધ અને માહિતી આપવામાં આવી છે તે જ અહોભૂત કરે તેવી છે. તેનો ઉચ્ચાર કેવી રીતે થાય છે તેની વિગતો આપી હોય તે તો સમજી શકાય છે પરંતુ નીચેની હકીકતની નોંધની ભાગ્યે જ શબ્દકોશમાં અપેક્ષા હોય.

"બોલવામાં તે સહુથી સહેલો છે, તેટલા માટે બીજી જાણીતી ભાષામાં પણ તેને મળતો અક્ષર પહેલો મુકાય છે. અક્ષરોમાં એ સર્વશ્રેષ્ઠ મનાય છે. ઉપનિષદોમાં એનો ઘણો મહિમા વર્ણવ્યો છે અને ગીતામાં શ્રીકૃષ્ણ કહે છે કે અક્ષરોમાં હું 'અ' છું.

આ અક્ષરનાં સર્વે જૂનાં સ્વરૂપો અશોકના શિલાલેખોમાંથી મળી આવે છે. અશોકના સમયમાં 'અ'નું સ્વરૂપ જુદા પ્રકારનું હતું. ત્યાર પછી તે હાલના સ્વરૂપમાં ઘડાયો તે પહેલાં તેને ઘણી અવસ્થામાંથી પસાર થવું પડ્યું છે."

ત્યારબાદ અ અને અન્ય સ્વરો કંઠમાંથી કેવી રીતે પ્રગટે છે તે અંગે કેશવ હર્ષદ ધ્રુવના લખાણનું પંદર લીટીનું અવતરણ આપ્યું છે. તે ઉપરાંત પણ 'અ' શબ્દને છેડે નથી આવતો તે હકીકત ઉપરાંત અ સાથે અન્ય સ્વરોની સંધિ કેવી રીતે થાય છે તેની ઉદાહરણો સહિત સમજૂતી આપતી નોંધ છે.

તેથી જ રીતે કર્ણના એક અર્થ મહાભારતના પાત્ર તરીકે ૯૪ જેટલી લીટીમાં તેની કથની આપી છે. 'કલા' શબ્દના એક અર્થ સામે "શાસ્ત્રમાં જણાવેલ ચોસઠ કલા"ની નામની યાદી આપી છે. ગુજરાતી ભાષા વિશે બે અઢી પાનાંની 'ગુજરાતી શાળા' વિશે લગભગ બે પાનાંની, તેમ જ ગુજરાતી લિપિ અને ગુજરાતી સાહિત્ય વિશે પણ લાંબી નોંધો છે. સામાન્ય રીતે આવી નોંધો શબ્દકોશનું મૂળભૂત અંગ નથી. તેમ છતાં આવી નોંધો ભગવદ્ગોમંડલની સર્વગ્રાહિતામાં મોટું ઉમેરણ છે તે હકીકત સ્વીકારવી રહી. નોંધો લાંબી જ છે તેવું પણ નથી, કયાંક એક લીટીની, ક્યાંક બેત્રણ લીટીની નોંધ પણ છે. આમ શબ્દ કે તેના અર્થની સમજ માટે ઉપલબ્ધ માહિતી આપવી આવશ્યક લાગે ત્યાં તે અચૂક આપવામાં આવી છે એની પ્રતીતિ થાય છે. એટ રેન્ડમ, યદૃચ્છા આવી નોંધોનું સર્વેક્ષણ કરવામાં આવે તો (પાન ૧૯૦૧ થી પાન ૧૯૨૦ પર ૮૪૯ શબ્દો અને ૧૬૧૬ અર્થ સામે ૮૦ નોંધ છે) શબ્દ સામે લગભગ ૧૦ ટકા અને અર્થની સામે લગભગ ૫ ટકા છે.

આવો સર્વગ્રાહી શબ્દકોશ- ભગવદ્ગોમંડલ -ગુજરાતી ભાષાને મળ્યો. આજીવન શબ્દબ્રહ્મના ઉપાસક મહારાજા ભગવતસિંહજીની જીવનસાધનાના ફળ રૂપે, જાણે તેમની માતૃભાષા ભક્તિનું મૂર્તિમંત સ્વરૂપ. તેઓ સ્વાતંત્ર્યપૂર્વે ભારતના સૌરાષ્ટ્ર પ્રદેશના નાનકડા રજવાડા ગોંડલના મહારાજા હતા. ગુજરાતી ભાષાને શબ્દકોશ અંગે સીમાચિહ્ન રૂપ પ્રદાન કરનાર ગાંધીજી અને મહારાજા ભગવતસિંહજી સમકાલીન હતા. મહાત્માજી (૧૮૬૯-૧૯૪૮) સંત હતા, ભગવતસિંહજી (૧૮૬૫-૧૯૪૪) રાજવીઓમાં સંત કહી શકાય તેવી સાદાઈથી જીવતા હતા. ગાંધીજીથી ચાર વર્ષ પહેલાં જન્મ્યા હતા અને સંયોગ પણ એવો થયો કે તેમનાથી ચાર વર્ષ પહેલાં સ્વધામ પહોંચ્યા. માતૃભાષામાં સંપૂર્ણ શબ્દકોશનો અભાવ તેમને ખાસો સાલતો હતો. આવો શબ્દકોશ માતૃભાષામાં હોય તેવી તેમની મહેચ્છા હતી. તેઓ સ્વયં અભ્યાસશીલ અને વિદ્વાન હતા. તેમણે કોઈ સાહિત્યિક પુસ્તક નથી લખ્યું, પરંતુ વીસ વર્ષની ઉંમરે પોતાના યુરોપના પ્રવાસ અંગે અંગ્રેજીમાં પુસ્તક લખ્યું હતું. તે વખતે (ઈ.સ. ૧૮૮૫)માં તેની સારી નોંધ લેવાઈ હતી. હંગેરીના વિદ્વાન પ્રોફેસર વામ્બરીએ તેમજ 'ન્યૂ રિવ્યુ' અખબારે તેના વિશે પ્રશંસાત્મક અભિપ્રાય વ્યક્ત કર્યા હતા. ઉપરાંત તેમણે 'હિસ્ટ્રી ઓફ આયુર્વેદ' પુસ્તક પણ લખ્યું હતું. 'બ્રિટિશ મેડિકલ જર્નલ', કલકત્તાના 'ઇંગ્લીશ મેન' અને 'લંડન ટાઇમ્સ'માં તેના વિશે સારા રીવ્યુ લખાયા હતા. માતૃભાષા માટેનો તેમનો પ્રેમ અને તેની ખિલવણી માટેની તેમની જાગૃતિ, રાજ્યનો વહીવટ ગુજરાતી ભાષામાં જ કરવાની તેમની આજ્ઞા અને ચુસ્તપણે તેના પાલનની સાવધાનીમાંથી પ્રતીત થાય છે. ગુજરાતી ભાષામાં કોઈ શબ્દ ન મળે ત્યારે જ અંગ્રેજી શબ્દના વપરાશનો અપવાદ તેમને રાખવો પડ્યો હતો. રાજવહીવટમાં ગુજરાતી ભાષાનો અમલ તાજો તાજો હોઈ તે સમયે આમ કરવું અનિવાર્ય હતું. તેમની વિદ્વતા, જ્ઞાન, અભ્યાસશીલતા, અને માતૃભાષા પ્રત્યેના લગાવનાં દર્શન તેમણે પોતાના જ માર્ગદર્શન હેઠળ ગોંડલ રાજ્યની શાળાઓ માટે જે પાઠ્યપુસ્તકો તૈયાર કરાવ્યાં હતાં તેમાંથી મળી રહે છે. આ પુસ્તકો હતાં : ગુજરાતી વાચનમાળા ૧ થી ૭, શિક્ષણમાળા ૧ થી ૭, અક્ષરપોથી, આદર્શ શિક્ષણ ૧ થી ૩, શબ્દસંગ્રહ ૧ થી ૩, તેમજ ગણિત, ભૂમિતિ, અંગ્રેજી, હિન્દી, એલજીબ્રા, પદાર્થવિજ્ઞાન, રસાયણ વિજ્ઞાન, ઇતિહાસ અને ભૂગોળના વિષયનાં પાઠ્યપુસ્તકો. અભ્યાસેતર વાંચન માટે પણ તેમણે ઇતરવાચન માળા પત્રિકા ૧ થી ૨૦ તૈયાર કરાવી હતી. તેમની વિદ્વતા જોતાં કાલિદાસે રધુવંશમાં વર્ણવેલ એક રાજવી निसर्गभन्नाद् ‌पदमेकसंस्थम्, अस्मिन् द्वयं श्री‌श्च सरस्वती च |ના તેઓ મૂર્તિમંત સ્વરૂપ હતા તેમાં કોઈ શંકા નથી.

મહારાજા ભગવતસિંહજીનું વ્યક્ત્તિવ જ કાંઈક વિશિષ્ટ હતું. ગુજરાતી ભાષાના સર્વગ્રાહી કોશનો અભાવ દૂર કરવા તેઓ કોઈ પણ વ્યવસ્થા કરી શક્યા હોત. નાણાં કે સાધનોની તેમને કમી ન હતી. ફ્રાન્સના સમ્રાટે ફ્રેન્ચ ભાષાના શબ્દકોશની રચના માટે એકેડમીની સ્થાપના કરી હતી, તેમાં વિદ્વાનોને રોક્યા હતા. મહારાજા ભગવતસિંહજી પણ તેમ કરી શક્યા હોત. ગુજરાત વિદ્યાસભા કે ગુજરાતી સાહિત્ય પરિષદને પણ આ યોજના સોંપી શક્યા હોત. મુંબઈ વિશ્વવિદ્યાલયને પણ આવી યોજના સોંપવાનું વિચારી શકાયું હોત. પરંતુ તેમણે જાતે જ અપના હાથ જગન્નાથ કરીને શબ્દો એકત્ર કરવાના શ્રીગણેશ કર્યા.

જાણમાં ન હોય તેવા શબ્દ કે જાણીતા હોય તેવા શબ્દો જુદી અર્થછાયામાં વાંચવા કે સાંભળવામાં આવે તેમની નોંધ લઈ મહારાજાએ શબ્દસંગ્રહ કરવાનો ૧૯૧૫માં પ્રારંભ કર્યો. તેઓ અભ્યાસી તો હતા જ. તેમનો અભ્યાસખંડ પુસ્તકોથી સમૃદ્ધ હતો. તેમાં ગુજરાતી, સંસ્કૃત, હિન્દી, ફારસી અને અન્ય ભાષાઓનાં પુસ્તકો હતાં. ઉપરાંત વેદ, વેદાંગ, શાસ્ત્રો અને પુરાણો પણ ખરાં. ઇતિહાસ, ભૂગોળ, ખગોળશાસ્ત્ર અને વિજ્ઞાનનાં પુસ્તકો પણ હતાં. રાજવહીવટ અને પ્રજાકલ્યાણમાં વ્યસ્ત હોવા છતાં તેઓ અભ્યાસ માટે નિયમિત રીતે ચીવટથી વખત કાઢતા.

રાજ્યના પ્રજાજનોને વ્યક્તિગત કોઈ રજૂઆત કરવાની હોય, કોઈ ફરિયાદ હોય તો તે માટે તેમણે રોજના ત્રણ કલાક ફાળવ્યા હતા, જ્યારે તેઓ પ્રજાજનને રૂબરૂ સાંભળતા, રજૂઆત કે ફરિયાદ લેખિત હોય તો જાતે જ તે સ્વીકારતા. વેપારી, ખેડૂત કે કારીગર પ્રજાના દરેક વર્ગમાં અને દરેક સ્તરના લોકો ધનિકથી માંડી ગરીબમાં ગરીબના હૈયામાં મહારાજાએ વિશ્વાસ પેદા કર્યો હતો કે મહારાજા તેમની રજૂઆત કે ફરિયાદ ધ્યાનથી, શાંતિથી સાંભળશે અને તેનું યોગ્ય નિરાકરણ લાવશે. આથી મહારાજાને દરેક વર્ગના અને દરેક સ્તરના પ્રજાજનોને મળવાનો લાભ મળતો. પ્રજાજનની રજૂઆત કે ફરિયાદ પ્રત્યે પૂરું ધ્યાન આપવાની સાથોસાથ તેઓ તેમની બોલી અને ભાષા પ્રત્યે પણ ખૂબ સતર્ક રહેતા. કોઈ શબ્દ કે રૂઢિપ્રયોગ નવો સાંભળવા મળે કે નવા સંદર્ભ કે અર્થમાં વપરાયો જણાય તો તરત જ તેની નોંધ કરી લેતા. લેખિત રજૂઆતો પણ તે આ દૃષ્ટિથી ચકાસતા. રાજવહીવટના તુમારો, હુકમો, જૂના દસ્તાવેજો, પત્રો, વર્તમાનપત્રો, સામયિકો કે પુસ્તકો વાંચતાં નવો શબ્દ ધ્યાને પડે કે જાણીતો શબ્દ કંઈક જુદા અર્થમાં વપરાયો જણાય તો તરત તે ટપકાવી લેતા. વાતચીત દરમ્યાન જ આવી નોંધ કરતાં તેઓ ખચકાતા નહિ. સર્વગ્રાહી શબ્દકોશના સર્જનના સ્વપ્ને તેમને પૂરેપૂરા જકડી લીધા હતા. તેમના અમલદારો, રાજ્યના કર્મચારીઓ, દરબારીઓ અને તેમના સંપર્કમાં આવેલ મહાનુભાવો તેમને 'કોશઘેલા' કહેતા, આ જાણે તેમનું ઉપનામ બની ગયું હતું. આ તેમની તમન્ના હતી, તેને ઘેલછા કહો કે બીજું કંઈ, પણ આવી ઘેલછા વિના ભગવદ્ગોમંડલ જેવો શબ્દકોશ સર્જાયો હોત કે કેમ તે પ્રશ્ન છે. કોશ સર્જનના હેતુથી જ તેમણે કેટલાક પુસ્તકો વસાવ્યાં હતાં જેવાં કે 'ક્લાસીફાઈડ ડિક્શનરી', 'ગાર્ડન્સ ઈન ટ્રોપિક્સ', 'સેન્ચુરી ડિક્શનરી', ચાણક્યનું અર્થશાસ્ત્ર અને સહેલાઈથી ન મળતી, દુર્લભ એવી 'ફૅક એન્ડ વેન્ગેલ'ની ઇંગ્લિશ 'ન્યૂ સ્ટાન્ડર્ડ ડિક્શનરી'. આમ તેઓ સર્વ રીતે શબ્દકોશ માટે શબ્દો એકત્ર કરવામાં સ્વયં સર્વરીતે પ્રયત્નશીલ હતા. ઈ.સ.૧૯૧૫થી તેમણે શરૂ કરેલ આ એકલયાત્રામાં તેમણે ૨૦૦૦૦ શબ્દો એકત્ર કર્યા ત્યારે આ યાત્રાનો ગાળો તેર વર્ષે જેવો થયો હતો અને સમયની દૃષ્ટિએ ૧૯૨૮ સુધી અને ઉમરની રૂએ ૬૩ વર્ષ સુધી પહોંચ્યા હતા. ખાસા મંથન પછી તેમને લાગ્યું કે આ બધી સામગ્રીને વ્યવસ્થિત કરવા જરૂરી નિષ્ણાતો અને તેમને મદદ કરે તેવો સહાયક સ્ટાફ પણ રોકવો જોઈએ. આથી ઈ.સ.૧૯૨૮ના ઓકટોબરની પહેલી તારીખે ગોંડલમાં 'ભગવદ્ગોમંડલ' કોશના કાર્ય માટે વિધિવત કચેરીની સ્થાપના કરી. ગોંડલ રાજ્યના વિદ્યાધિકારી ચંદુભાઈ બેચરભાઈ પટેલ શબ્દકોશના સર્જનના મહારાજાના કાર્યમાં ખૂબ રસ લેતા અને સહાયરૂપ પણ થતા. આ નથી કચેરીનું રોજ-બ-રોજનાં અને વહીવટી કામનો ભાર મહારાજાએ ચંદુભાઈને સોંપ્યો. મહારાજા સ્વયં પણ આ કચેરીના રોજ-બ-રોજના કામ પર ધ્યાન આપતા હતા અને જરૂરી લાગે ત્યાં માર્ગદર્શન પણ આપતા હતા. પરંતુ સ્વાભાવિક છે કે સમગ્ર રાજ્યનો ભાર સંભાળવામાં અનેક કામો વચ્ચે મહારાજા સમગ્રતયા તેનું સંચાલન ન કરી શકે. શબ્દો એકત્ર કરવાનું ભગીરથ કાર્ય એકલે હાથે ન થઈ શકે તેમ પણ તેમણે પ્રમાણ્યું એટલે વિદ્વાનો, કોશમાં રસ લેતા નાગરિકો કે પ્રજાજનોનો સહકાર પણ મેળવવો જોઈએ. આ માટે તેમણે 'ગોંડલ કોશની પહેલી પત્રિકા' નામે નીચે મુજબની એક જાહેર અપીલ પ્રસિદ્ધ કરાવી.

"ગોંડલ કોશની પહેલી પત્રિકા"

"માતૃભાષા પ્રીત્યર્થ સેવા સન્માર્ગ, સાહિત્યપ્રેમી સજ્જનો, ભાગે પડતું કરીને, સક્રિય રીતે સાથ આપીને ગોંડલકોશ બને છે એને શિષ્ટ લેખકોના પ્રયોગોથી પ્રમાણભૂત, વિવિધ પ્રકારનાં ચિત્રોથી મનોરંજક, ગ્રામજનોના ઘરગથ્થુ શબ્દોથી જીવતો જાગતો, નવયુગના શબ્દોથી નવપલ્લિત, વ્યુત્પત્તિ, વ્યુત્પત્તિ આદિથી શાસ્ત્રીય સંપૂર્ણ અને આદર્શ બનાવો."

આ પત્રિકાથી કેવાં આદર્શો અને સર્વગ્રાહી શબ્દકોશની તેમની તમન્ના હતી તેનો સ્પષ્ટ ખ્યાલ મળી રહે છે. આ પત્રિકા શહેરે-શહેરે અને ગામડે-ગામડે હજારોની સંખ્યામાં ઘરે ઘરે વહેંચવામાં આવી હતી. ભગવદ્ગોમંડલની કચેરીની સ્થાપના બાદ કોશ માટે દરેક દિશામાં પ્રયત્નો કરવામાં આવ્યા હતા. તે સમયે વિદ્યમાન કવિઓ, લેખકો, પ્રાધ્યાપકો, ભાષાનિષ્ણાતો, જુદાં જુદાં ક્ષેત્રના નિષ્ણાતો, અભ્યાસીઓનો સંપર્ક સાધવામાં આવ્યો હતો અને કોશના વિવિધ પાસાંઓ અંગે તેમના પાસેથી સૂચનો મેળવવામાં આવ્યાં હતાં. સેંકડો અંગ્રેજી-ગુજરાતી પુસ્તકો, સંદર્ભગ્રંથો, સામયિકો, વર્તમાનપત્રો, ધર્મગ્રંથો વગેરેમાંથી શબ્દો, વર્ણનો, દંતકથાઓ, અવતરણો, આંકડાકીય માહિતી ઈત્યાદિ વીણી વીણીને એકઠી કરવામાં આવી હતી. આવા સજ્જડ પ્રયત્નો છતાં મહારાજાનું સ્વપ્ન કચેરીની સ્થાપના બાદ સોળ વર્ષે અને તેમણે પ્રથમ નિર્ધાર (૧૯૧૫)કર્યો ત્યાર બાદ ૨૯ વર્ષે સાકાર થયું. ભગવદ્ગોમંડલનો પ્રથમ ભાગ ઓગષ્ટ ૧૯૪૪માં મુદ્રિત સ્વરૂપે પ્રસિદ્ધ થયો. કોશના નવે નવ ભાગની હસ્તપ્રત તૈયાર હતી અને એક બાદ એક તેના મુદ્રણ અને પ્રસિદ્ધિની યોજના હતી. પરંતુ આ યોજના સાથે સંકળાયેલ તેમજ આ ઉપક્રમથી જાણકાર હરેકને રંજ એ બાબતનો થયો કે પ્રથમ ભાગનું મુદ્રણ પતે તે પહેલાં તેઓ કૈલાસવાસી થયા. પહેલા ભાગનું મુદ્રણ મહારાજાની હયાતીમાં જ શરૂ થઈ ગયું હતું અને મહારાજા પોતે પણ તેનાં પ્રૂફ તપાસતા હતા. તેમના પછી ગાદીનશીન થનાર તેમના પુત્ર મહારાજા ભોજરાજસિંહજીએ અન્ય ભાગોનું મુદ્રણ ક્રમશ: હાથ પર લેવાય અને ચાલુ રહે તેની ખાસ કાળજી લીધી. પિતાને તેથી મોટા શ્રદ્ધાંજલિ શી હોઈ શકે! પરંતુ બધા ભાગ પ્રસિદ્ધ થાય તે પહેલાં ભારત સ્વતંત્ર થયું અને ગોંડલ જેવાં દેશી રાજ્યો જે તે પ્રાંતમાં ભળી ગયાં અથવા એક જ વિસ્તારમાં આવેલ નાનાં નાનાં દેશી રાજ્યો એકત્ર કરી નવું રાજ્ય સ્થાપવામાં આવ્યું. સૌરાષ્ટ્રમાં આવેલાં દેશી રાજ્યોનું નવું રાજ્ય "સૌરાષ્ટ્ર" સ્થપાયું અને 'ગોંડલ' સ્વતંત્ર રાજ મટી સૌરાષ્ટ્ર રાજ્યનો ભાગ બન્યું. સૌરાષ્ટ્ર રાજ્યમાં પણ શબ્દકોશનું મુદ્રણ અને પ્રસિદ્ધિ ચાલુ રહ્યાં. છેલ્લો અને નવમો ભાગ માર્ચ ૧૯૫૫માં પ્રસિદ્ધ થયો. આવા મોટા ઉપક્રમની પૂર્ણાહુતિ દ્વારકાધીશ પૂજ્ય શંકરાચાર્યજીના હસ્તે નવમા ભાગના પૂજનથી કરવામાં આવી.

ઈ.સ. ૧૯૧૫માં શબ્દકોશને માટે શબ્દો એકત્ર કરવાનો પ્રારંભ કર્યો ત્યારે સંભવત: મોટી ચિંતા શબ્દોની જોડણી અંગે હતી. ત્યારે જોડણીનો પ્રશ્ન ઉપસ્થિત થયો હતો જ અને વિદ્વાનો વચ્ચે તેના વિશે વિવાદ પણ હતો. પરંતુ ત્યારે પરિસ્થિતિ એવી હતી કે તેના ઉકેલના કોઈ અણસાર ન હતા, ઉકેલ આવશે કે કેમ અને આવશે તો ક્યારે તે પણ કોઈ કહી શકે તેમ ન હતું. ઈ.સ. ૧૯૨૮માં જ્યારે જોડણીકોશ માટે ગોંડલમાં કચેરી ઊભી કરવામાં આવી ત્યારે પણ આ બાબતે પરિસ્થિતિમાં કોઈ ફેર પડ્યો ન હતો કે ફેર પડે, કોઈ ઉકેલ આવે તેવાં કોઈ ચિહ્નો પણ ન હતાં. ગુજરાતી ભાષામાં તે સમયે પ્રવર્તતી જોડણી સંબંધી અને અરાજકતા દૂર થવાની કોઈ આછીપાતળી ય આશા ન હોઈ સંભવત: મહારાજા માટે તે મોટો ચિંતાનો વિષય હશે. પરંતુ સદ્ભાગ્યે કચેરીની સ્થાપના બાદ એક વર્ષમાં જ ઈ.સ. ૧૯૨૯માં ગાંધીજીના આદેશથી ગુજરાતી ભાષાનો જોડણીકોશ રચાયો અને તેને પરિષદની અને સરકારની માન્યતા પણ મળી ગઈ. મહારાજા ભગવતસિંહજીએ આનાથી મોટી રાહત અનુભવી હશે.

ભગવદ્ગોમંડલના નવ ભાગનું ભૌતિક કદ જ આંજી નાખે તેવું છે. - નવ ભાગ, મોટી સાઇઝનાં કુલ ૯૨૭૦ પાનાં, સહેજે ગંજાવર લાગે. ભૌતિક કદથી ય વિશેષ તો તેની શબ્દસંખ્યા અને શબ્દો સામે આપેલ અર્થોની સંખ્યા પણ નાની સૂની નથી - ૨૮૧૩૭૭ શબ્દો, અર્થ સમજાવતા શબ્દો કે શબ્દસમુહો ૫૪૦૪૫૫ અને વધારામાં ૨૮૧૫૬ રૂઢિપ્રયોગો અને કહેવતો. શબ્દ કે તેના અર્થ સાથોસાથ આપવામાં આવેલ નોંધોની તો કોશ સાથે સંકળાયેલા કોઈએ તે વખતે ગણતરી કરી નથી. અને ત્યારબાદ આજસુધી પણ આ ગણતરી થયાનું જાણ્યામાં નથી. પણ માત્ર વીસેક પાનાં પરની નોંધના આધારે અડસટ્ટે ૨૬૬૦૦ જેટલી નોંધો હોઈ શકે. જ્ઞાન તો અસીમ છે. અને અમાપ પણ છે. ન તો ફૂટ-ઇંચમાં કે ન તો ઔસ પાઉન્ડમાં તેનું માપ નીકળી શકે. તો પણ તુલસીદાસજીએ કહ્યું છે તેમ 'ઈસ સંસારમેં ભાતભાતકે લોગ.' તે સમયે એક ગુજરાતી સદ્ગૃહસ્થથી ભગવદ્ગોમંડલના નવે ભાગનું વજન કરવાની ઉત્કંઠા રોકી ન શકાઈ. વિદ્યાદેવી સરસ્વતી અને સંભવત: મહારાજા ભગવતસિંહજીની મનોમન ક્ષમાયાચના સાથે ત્રાજ્યાં પકડ્યાં હશે. તેમણે સાચે જ આ કોશ ત્રાજવે તોળ્યો તો વજન થયું એક મણ ૧૫ શેર ૨૮ રૂપિયાભાર. કોઈ સજ્જનને કદ માપવાની ઉત્કંઠા થઈ. તેમના પ્રમાણે કદ ૧૯ ઘનફૂટ થયું હતું.

ભગવદ્ગોમંડલની સર્વગ્રાહીતા તેના ભૌતિક પ્રમાણથી નહીં પણ તેમાં આપેલી સામગ્રીના કારણે છે. શબ્દ જે કોઈ અર્થમાં વપરાયો હોય તે દરેક અર્થ આપવામાં આવેલ છે. ઉદાહરણ અર્થે સ્વર 'આ' સામે અર્થની એન્ટ્રી ૨૯ છે, 'આકાશ' શબ્દ સામે ૨૩ એન્ટ્રી છે. શબ્દનો અર્થ આપવા ઉપરાંત તે અર્થ સંબંધી વિશેષ માહિતી પણ આપવા યોગ્ય લાગી હોય ત્યાં આપી છે. દા.ત. 'અર્થ' શબ્દના શબ્દાર્થની ૩૨ એન્ટ્રી છે 'અર્થ'નો અર્થ પૈસો, ધન દોલત એન્ટ્રી ૧૫ સામે આપેલ છે. ત્યાં વિશેષ માહિતી આપી છે કે "અર્થ ત્રણ પ્રકારના છે; ૧. શુકલ એટલે પ્રમાણિકપણે મેળવેલ ૨. રાબલ એટલે પ્રમાણિક અને અપપ્રમાણિક બંને રીતે ભેગો કરેલ ૩. કૃષ્ણ એટલે અપ્રમાણિકપણે એકઠો કરેલ." શબ્દ સાથે ઐતિહાસિક બાબત જોડાયેલ હોય તો તે શબ્દ પછી તે સ્વતંત્ર શબ્દ તરીકે આપી તેના વિશે નોંધ આપી છે. દા.ત. 'બ્રાહ્મણી' શબ્દ. તેના પછી, અલબત્ત કક્કાવારી પ્રમાણે, યોગ્ય સ્થળે 'બ્રાહ્મણી રાજ્ય' સ્વતંત્ર શબ્દ રૂપે આપી 'હસન ગંગુએ દક્ષિણ હિંદમાં' સ્થાપેલ બ્રાહ્મણી રાજ્ય વિશે ૨૨ લીટીની નોંધ આપી છે. આવી આવી સામગ્રીની વાત બાજુએ મૂકીએ તો પણ અગત્યની વાત એ છે કે ભાષકને કોઈ પણ વિષયના શબ્દ વિશે જાણવાની જરૂર પડે કે ઉત્કંઠા થાય તો આ શબ્દકોશમાં તેને તે મળી રહેશે અને મોટેભાગે તેણે ધાર્યું હોય તેથી વિશેષ વિજ્ઞાન, વૈદક, ન્યાયતંત્ર, સ્થાપત્ય, શિલ્પ, ભૂસ્તરશાસ્ત્ર, ખગોળ, સાહિત્ય, સંગીત, ચિત્રકળા, રાગ-રાગીણી, સંગીતનાં વાદ્યો, વહાનવટુ, વેદાંત પુરાણ, તાંત્રિક શબ્દો, દેશી ઘરેણાં, પ્રાચીન અસ્ત્રશસ્ત્રો, કાપડ, પોષાક, વનસ્પતિ વગેરેને સંબંધિત શબ્દો જરૂરી સમજ અને માહિતી સહિત અહીં આપવામાં આવ્યા છે. હાથી, ઘોડા શબ્દો સામે ઘોડાઓની જુદી જુદી જાતો, ઉપરાંત તેમના શણગાર માટેના સરંજામની માહિતી આપવામાં આવી છે. તેવી જ રીતે હાથી શબ્દ સામે હાથીને શણગારવાની ચીજો વગેરેની માહિતી આપી છે. ગુજરાતમાં વસતા જુદા જુદા ધર્મના લોકો જેવા કે જૈન, ઈસ્લામ, પારસી વગેરેમાં બોલાતા વિશિષ્ટ કે ખાસ શબ્દો પણ આપવામાં આવ્યા છે. ભગવાન કૃષ્ણ અને શિવનાં હજાર નામો પણ અપાયાં છે. સૌરાષ્ટ્રની વાઘેર, આહીર, મિયાણાં જેવી જાતિઓની બોલીઓમાં વપરાતા શબ્દો એકત્ર કરી શબ્દકોશમાં સમવાયા છે.

આ શબ્દકોશને કનૈયાલાલ મુનશીએ એન્સાઇક્લોપીડિયા કહ્યો છે. ભગવદ્ગોમંડલના પ્રથમ પાન પર નજર પડતાં જ પ્રતીતિ થાય છે કે મુનશીજીએ સાચું જ કહ્યું છે. પહેલા પાન પર વર્ણમાળાના પ્રથમ સ્વર 'અ' અંગે જે સમજ અને માહિતી આપી છે તે જ આ હકીકતની ખાતરી કરાવે છે. અન્ય શબ્દકોશો સાથે સરખાવતાં સ્પષ્ટ ખ્યાલ આવે છે કે તે કેટલી વિસ્તૃત છે. 'અ'ની સમજ માટે આ શબ્દકોશમાં ૧૨૯ લાઇનો છે, જ્યારે નર્મકોશમાં ૧૫ અને સાર્થ જોડણીકોશમાં ૧૨. અન્ય ભાષાઓના કોશ જોઈએ તો ત્યાં પણ આવી જ પરિસ્થિતિ છે. શ્રી વામન આપ્ટેના સંસ્કૃત-હિન્દી શબ્દકોશમાં ૪૭ અને મોનીએર વિલિઅમ્સના અંગ્રેજી-સંસ્કૃત શબ્દકોશમાં ૧૧ લાઈન છે. ઓક્સફર્ડની અંગ્રેજી-ગુજરાતી ડિક્શનરીમાં ૨૬ લાઇન છે. રીડર્સ ડાયજેસ્ટના ગ્રેટ એન્સાઇક્લોપીડિયાક અંગ્રેજી-અંગ્રેજી શબ્દકોશમાં ૨૬ લાઇન છે.

અંતમાં એમ જ કહેવું રહ્યું કે ભગવદ્ગોમંડલની સર્વગ્રાહિતાનો પૂરો ચિતાર આપવા નાનકડું પુસ્તક લખીએ તો માંડ કંઈક ખ્યાલ આપી શકાય. એટલે એમ કહીને જ અટકવું રહ્યું કે "શબ્દના શક્ય તેટલા બધાજ પ્રકારના પ્રયોગો તથા તેને અવલંબીને થતા રૂઢિપ્રયોગો અને અર્થદ્યોતક ઘણી માહિતી ધરાવતો આ કોશ ગુજરાતી ભાષાનો મહામૂલો અર્થમણિ છે."

ઋણ સ્વીકાર:
બલવંત વી. પટેલ (પ્રમુખ)
ગાંધીનગર સાહિત્ય સભા
ગાંધીનગર - 382 021,
ગુજરાત, ભારત